Thursday, July 17, 2008

SAINT SARITA {BOOK IS IN WAITING FOR PRINTING}

॥ સંત સરિતા ॥

એકમાત્ર પરમાર્થના ઉદ્દેશથી નદી વહ્યા જ કરે છે. એમાં એને કોઈ અવરોધ નડતો નથી. એનો પ્રવેશ વિઘ્નોની હારમાળાને કારણે પણ રૂંધી શકાતો નથી. એનું જળ જીવપ્રાણીમાત્રનું જીવન છે. સંત સરિતા સમાન છે. એ સતત વિચરતા જ રહે છે. એ દરેકને જીવનની ઉષ્મા આપતા રહે છે. એમની હૂફાળી હયાતી સર્વનો પ્રાણ બની જાય છે. કોઈને માટે એ પિતાનું છત્ર બની જાય છે, તો કોઈને માટે માતાની મમતા. કોઈના એ મિત્ર બને છે, તો કોઈના માર્ગદર્શક. એ જાત ઘસી નાખે છે. સ્વામીશ્રી ઘસાઈ છૂટ્યા છે – અનેકને ઊજળા કરવા.
આનંદોર્મિઓ છલકાવતી, કલકલ નિનાદ કરતી. વહેતી નદીને કોઈએ કહ્યું : 'તું તો જીવપ્રાણીમાત્ર ઉપર ખૂબ જ ઉપકાર કરે છે. પશુ પંખી, મનુષ્યો બધાં જ તારા પાણીથી તૃષા છિપાવે છે, સ્નાન કરે છે, મનુષ્યો કપડાં ધૂએ છે, તારામાંથી નહેરો કાઢી લોકો ખેતી કરે છે. તું જ્યાં વહે છે તે સૂકીભઠ મરુભૂમિને પણ તું નંદનવન બનાવી દે છે. તારે લીધે અને તારે નામે તો સપ્તસિંધુ સંસ્કૃતિ, નાઇલ સંસ્કૃતિ જેવી વિવિધ દેશોની સંસ્કૃતિઓ રચાય છે. કેટકેટલા ઉપકારો છે તારા વહેવાથી !' નદીએ સહજભાવે કહ્યું : 'હું તો બસ, વહ્યા જ કરું છું.'
સ્વામીશ્રીનું જીવન પણ આ વહેતી સરિતા જેવું છે. આ લોકપાવની સંતસરિતા પાંચેય ખંડની ધરતીને ખૂણે ખૂણે વહે છે. અને અનેકને પાવન કરે છે. હૈયામાં અખંડ શ્રીહરિને ધારીને સર્વત્ર વિચરતા સ્વામીશ્રી દ્વારા લાખો લોકોએ જીવનની તૃષા છિપાવી છે. જીવન નિર્મળ બનાવ્યાં છે. અરે ! બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મના પરમાનંદને પામ્યા છે - નદી દ્વારા સાગરને પામે તેમ.
અડાલજની વાવને કાંઠે સં. ૧૮૬૭માં શ્રીહરિએ પરમહંસોને આદેશ આપેલો કે આ વાવને સરસવના દાણાથી ભરીએ એટલા જીવનું મારે કલ્યાણ કરવું છે. માટે તમે રોજ પાંચ મુમુક્ષુઓને વર્તમાન ધરાવ્યા પછી જ અન્નજળ લેજો. પછી હું તેને યોગ્ય બનાવી મારા અક્ષરધામમાં લઈ જઈશ. પણ આટલો દાખડો તમે કરજો. સ્વામીશ્રીના અવિરત વિચરણનું કારણ શ્રીજીના આ સંકલ્પને મૂર્તિમાન કરવાની તમન્ના છે.
યોગીજી મહારાજના સમયમાં સ્વામીશ્રી સંસ્થાનાં વહીવટી કામો અને સત્સંગ પ્રસાર માટે ગામોગામ વિચરતા. એક જોડિયા સાધુ સાથે ફરવાનું. હંમેશાં ટ્રેનમાં ત્રીજા વર્ગની ટિકિટ જ લેવાની. બગલમાં ઓશીકું અને હાથમાં પત્તરની ઝોળી હોય. ટ્રેનમાં રિઝર્વેશન તો હોય જ નહિ. ઘણી વાર લટકતા કે ઊભા ઊભા મુસાફરી કરે. ગાડામાં, ડમણિયામાં અને ચાલતાંય ઘણી વાર જાય. યોગીજી મહારાજના અક્ષરવાસ પછી ગુરુપદે આવ્યા બાદ પહેલી વાર મુંબઈ પધાર્યા ત્યારે ત્રીજા વર્ગમાં જ પધાર્યા ! ઍરોપ્લેનમાં પણ ટૂરિસ્ટ ક્લાસમાં જ બેસે. ૧૯૮૫માં સુવર્ણતુલા વખતે પણ ટૂરિસ્ટ ક્લાસમાં જ બેસીને લંડન પધારેલા. ખાંભડાથી સારંગપુર વરસતા વરસાદમાં ચાલતા જોયા છે. સંસ્થાના પ્રમુખ છતાં પ્રમુખ તરીકેની કોઈ સવલતો સ્વીકારી નથી. મંદિરમાં સભામંડપમાં જ સૂવાનું, સૌની સાથે જ જમવાનું અને રહેવાનું. સ્વામીશ્રી ગામડાંઓમાં ફરે તેમાં પહેલાં તો કાંઈ વ્યવસ્થા નહિ. ડાંગરામાં અમે સ્વામીશ્રીને કાંકરાવાળી ભૂમિ ઉપર કાંઈ પણ પાથર્યા વિના સૂતા જોયા છે.
૧૯૭૨ના 'નીલકંઠવણી યાત્રા' પ્રવાસમાં તો હાડમારીનો કોઈ પાર નહિ. છપૈયા જતા બલનાન ગામ આગળ બસ બગડી ત્યારે ટ્રેન પકડવા માટે હાથમાં જોડા લઈને દોડતા જોયા છે. જેતપુર ને બાવળામાં મોટરને ધક્કા પણ તેમણે મારેલા છે. ભોયકા જતા ટ્રેક્ટર ગારામાં ફસાયું. તેને કાઢવા બીજું ને પછી ત્રીજું લાવ્યા. તે પણ ફસાયાં, પછી ચોથા ટ્રેક્ટરે પાર પાડ્યું. તુલસીશ્યામથી જૂનાગઢ જતા ગીરના જંગલમાં અટવાઈ જતાં આખી રાત સિંહ અને સર્પોની વચ્ચે રહેવાનું થયેલું. ભાવનગર, ભુજ, રાજકોટ અમદાવાદ અને વિજયવાડામાં તો રિક્ષામાં પણ બેસીને મુસાફરી કરી છે. મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં આવતા ત્યારે આખી રાત ઉજાગરો કરીને સ્ટેશને સ્ટેશને હરિભક્તોને દર્શન આપે. કડકડતી ટાઢમાં ખેડબ્રહ્મામાં રાત્રે ખુલ્લી જીપમાં બિરાજેલા. ૧૯૭૭માં દક્ષિણ ભારતનો પ્રવાસ પણ જીપમાં જ કર્યો હતો.
૧૯૭૭ના અમેરિકાના પ્રવાસમાં તો ન્યુયોર્કથી છેક લોસ એન્જલસ સુધી મોટર દ્વારા જ પ્રવાસ કર્યો. સમય ઓછો એટલે આખી રાતની રાત મોટરમાં બેઠાં બેઠાં જ મુસાફરી કરતા. એકવાર કુર્દુવાડી(મહારાષ્ટ્ર)માં તો રાતે સાડા ત્રણ વાગે અને વડોદરામાં રાત્રે દોઢ વાગે પધરામણીએ ગયા હતા. બનારસમાં વરસતા વરસાદમાં રિક્ષામાં પધરામણીએ જતા જોયા છે. ઇંગ્લેન્ડમાં પણ વરસતા વરસાદમાં પધરામણીઓ કરી છે. ૧૯૭૪માં એક દિવસે સ્વામીશ્રી નડિયાદમાં મંગલા આરતી કરી નીકળ્યા. પીપલગ પછી બોચાસણ રાજભોગનાં દર્શન કરી ધર્મજમાં ઠાકોરજી જમાડ્યા. મહેળાવમાં સાંજે દર્શન કરી, વડતાલમાં સંધ્યા આરતી કરીને ડભાણ પધાર્યા. પછી જેતલપુર દર્શન કરી રાત્રે બાર વાગે અમદાવાદ પધાર્યા. વળી, વચ્ચે પધરામણીઓ કરી લીધી હતી. એક વાર બદલપુરથી આણંદ રાતના બાર વાગે પહોંચ્યા ત્યારે તેરગામ થયેલાં ! અને પચાસથી વધુ પધરામણીઓ થયેલી. 'દીવો ત્યાં દાતણ નહિ ને દાતણ ત્યાં દીવો નહિ.' આવી રીતે સતત પરિશ્રમભર્યું વિચરણ કર્યું છે.
તા. ૯-૩-૭૯ના રોજ સ્વામીશ્રી ગારિયાધારથી સવારે આઠ વાગે નીકળ્યા. નિર્જળા એકાદશી હતી. મોરબા, ચારોળિયા, કુતાણામાં પધરામણીઓ કરી વેળાવદર પધાર્યા. નગરયાત્રા અને સભા પછી જોડકા પધરામણીઓ કરી. મોટા ભમોદરા મંદિરની પ્રતિષ્ઠા કરી, રાત્રે સાડા અગિયાર વાગે જેસરમાં જાહેર સભા પૂરી કરી બાર વાગે આરામમાં પધાર્યા. સાથે પધરામણીઓ તો ખરી જ. ૧૯૭૪ના નવ મહિનાના વિદેશ પ્રવાસમાં પણ હજારો પધરામણીઓ થઈ. ફિલાડેલ્ફિયામાં સાંજના ચારથી બીજે દિવસે સવારના ચાર સુધી આખી રાત પધરામણીઓ ચાલી. કારણ કે તે દિવસે વૉશિંગ્ટન જવાનું હતું. હરિભક્ત નારાજ થાય તે તેમને ગમે નહિ. ૧૯૭૭માં સાબરકાંઠામાં ભરઉનાળે વિચરણ ગોઠવાયું. અમે કહ્યું : 'સ્વામી! ઉનાળામાં મુંબઈ સારું રહે, ગરમી ન લાગે.' સ્વામીશ્રી કહે : 'ઉનાળામાં ગામડે સારું રહે, ચોમાસામાં ત્યાં ગારો થાય એટલે હરિભક્તોને ફાવે નહિ.' સાબરકાંઠામાં ૨૭ દિવસમાં ૮૭ ગામોનું ભરચક વિચરણ થયું. આરામનું નામનિશાન નહિ. સુરત જિલ્લામાં ૨૦ દિવસમાં ૯૦ ગામ ગોઠવાયેલાં. કોઈ વખતે પાંચ ગામ નક્કી કર્યાં હોય તો દસ થઈ જાય. પધરામણીમાં પણ એવું. સ્વામીશ્રી બધાનું મન રાખે. ૧૯૭૪માં એન્ડોલા(ઝામ્બિયા)માં સભા પછી ઉતારે આવ્યા. સભામાં આરતી રહી ગયેલી. નિર્જળા ઉપવાસ છતાં ફરીથી રાત્રે બાર વાગે સભામાં આવ્યા. આણંદમાં ૧૯૭૫માં તેમની હાથી ઉપર સવારી નીકળી. બીજે જ દિવસે દાળના ખરડા માટે બસો એંસી દુકાનોમાં પગે ચાલીને પધરામણી કરી !
ગજેરામાં દિવસમાં ૧૫૭ પધરામણી કરી હતી. નાદરી(સાબરકાંઠા) ગામે નગરયાત્રા ત્રણ વાગ્યા સુધી ચાલી. પછી જમી, કથામાં જઈ સાંજના છથી રાતના દસ સુધી ૧૦૦ પધરામણીઓ કરી. વળી, પધરામણીએ નીકળે એટલે વચ્ચે પાણી પીવાનો પણ સમય ન રહે. જમવાનું બે કે અઢી વાગે જ વહેલામાં વહેલું થાય. કોઈ પણ ગામે જાય એટલે સવારે છ વાગે ઊઠીને પછી પૂજાથી પરવારી પધરામણીઓ શરૂ થાય. તેમાં પૂજા બીજે સ્થળે હોય તો ત્યાં જતાં પાંચ-દશ પધરામણીઓ થઈ જાય. પૂજા પછી પાંચ-દશ પધરામણી. પછી નાસ્તો ત્રીજે સ્થળે કરીને પછી બે-અઢી વાગ્યા સુધી પધરામણી ચાલે. પછી ભોજન. સૂતા ન સૂતા ત્યાં બે-ત્રણ ગામો કરી લેતાં. પચીસ-પચાસ પધરામણીઓ કરીને છેલ્લા ગામમાં સમય કરતાં બે-ત્રણ કલાક મોડા પહોંચવાનું. દરેક ગામમાં નગરયાત્રા તો અચૂક નીકળે. ધૂળના ગોટેગોટા ઊડે. પછી સભા અવશ્ય થાય. જમવાનું રાત્રે પોણા અગિયાર કે સાડા અગિયાર કે પોણા બાર વાગે પણ થાય. પછી સૂવાનું. કોઈ વાર જમવાનું વહેલું થાય તો રાત્રે બાર સુધી સભા અવશ્ય ચાલે. સાડા બાર - એક વાગે સૂવાનું થાય. ૧૯૭૭માં લંડનમાં આવી જ રીતે પધરામણીનો ભીડો રહેલો. 'કેમ છો ?' એમ અંદરોઅંદર પૂછવાનો સમય પણ ન રહે.
મહીકાંઠાનાં કોતરોમાં બદલપુર વિસ્તારમાં બબ્બે કિ.મી. ચાલીને છાપરે છાપરે સવારથી સાંજ સુધી પધરામણીઓ કરતા. બામણગામના ટેકરાઓ ઉપર વસેલાં છાપરાંઓની પધરામણીઓમાં તો છાતીમાં હાંફ ચડી જાય. સ્વામીશ્રી ત્યાં પણ ટેકરે ટેકરે જઈ પચાસેક પધરામણી કરી નાંખે. તળાવનાં ડહોળાં પાણી પીને ધોમધખતા તાપમાં ભાલ પ્રદેશની ઝીણી ધૂળમાં મહિનો મહિનો વિચરણ કરતા.
પધરામણી એટલે કેવળ આરતી, પૂજા ને પ્રસાદ નહિ. સ્વામીશ્રી પધરામણી દરમ્યાન ભાવિકોને અને તેમનાં બાળકોનેય વર્તમાન ધરાવે. કંઠી પહેરાવી ભગવાનનો આશરો દૃઢ કરાવે. દોરા, ધાગા, વહેમો દૂર કરાવે, વ્યસનો છોડાવે. પૂજાપાઠના નિયમ આપે, આશીર્વાદ આપે. અક્ષરપુરુષોત્તમની મૂર્તિ આપે અને બે-પાંચ મિનિટમાં તેનું જીવન પલટી નાંખે.
તળાજાનું રીશુભાનું જીવન આવી જ એક પધરામણીમાં પલટાયેલું છે. સાંગાણાના દરબારો સ્વામીશ્રીના બે કલાકના સત્સંગથી સુધરી ગયા. મગનભાઈ સામાણીને ઘેર સ્વામીશ્રી બે દિવસ રહ્યા. તેમની ચોપન વરસની સિગારેટ ગઈ. દુબઈના લખાલુલા તથા એમના બંને પુત્રો પણ સંપૂર્ણ શાકાહારી થઈ ગયા. આદિવાસીઓ અને સંદેશરના વાઘરીઓ તથા ઘણા હરિજનોનાં ગામો પણ સંતસરિતામાં નિર્મળ થઈ ગયાં.
સેલવાસ આદિવાસી વિસ્તારના બોંતેરમાંથી એકતાલીસ ગામોમાં સત્સંગ મંડળો થયાં છે. તેમણે હવે તેમના જૂના ચૂલા ભાંગી નવા કર્યા છે, જેથી તેમની પછીની પ્રજાને ખબર ન પડે કે આપણા પૂર્વજો માંસાહારી હતા. ઘરે એમણે તાડીનાં વૃક્ષો કાપી નાંખ્યાં છે, જેથી પાછળની પ્રજાને ખબર ન પડે કે આપણા વડવા તાડી-દારૂ પીતા હતા.
કરચેલિયા વિસ્તારના દુલાભાઈ કાચું માંસ ખાતા. હવે ગામડે-ગામડે સત્સંગ કરાવે છે. છોટાઉદેપુરના પાંત્રીસ હજાર આદિવાસીઓ આજે સત્સંગી થયા છે. વ્યારાના કુંભારવાડામાં પહેલાં દારૂ પીને રાતના બે વાગ્યા સુધી ધમાલ ચાલતી. હવે ત્યાં સત્સંગ સભાઓ થાય છે. બલવાડાના સુમનભાઈ માંસાહારી હોટલ ચલાવતા. હવે રવિવારની સભા ચલાવે છે. આ ગામ સુધારવા રવિશંકર મહારાજ, જુગતરામ દવે, બબલભાઈ મહેતા વગેરે પણ નિષ્ફળ થયેલા. ત્યાં સ્વામીશ્રીએ સત્સંગ કરાવ્યો. સ્વામીશ્રી મુંબઈમાં ગાંઠના આૅપરેશન પછી પરમાનંદભાઈ પટેલના બંગલે આરામ માટે પંદરેક દિવસ રહ્યા. તેમાં તો તેમનું અને તેમના નોકર-ચાકર બધાનું જીવન બદલાઈ ગયું.
સમાજમાં ડૉક્ટર, પ્રધાન, શિક્ષક, વેપારી, મજૂર વગેરે જોઈએ, તેમ સાધુ પણ સમાજનું અવિભાજ્ય ઘટક છે. સંતો માથે પડેલા નથી. કોઈ અનીતિ આચરે તો સરકાર તેને જેલમાં પૂરે કે દંડ કરે પણ અનીતિ કરાય જ નહિ એવા નૈતિકમૂલ્યોનું પ્રસ્થાપન કરવાનું કામ સરકારનું નથી, તે કામ સાધુનું છે. સ્વામીશ્રી તે કાર્ય ઘરોઘર ફરી ફરીને કરી રહ્યા છે. સ્વામીશ્રી ભ્રષ્ટાચાર, દુરાચાર વગેરે દૂષણોને દૂર કરી સંસાર-સરોવરને સ્વચ્છ રાખે છે.
ગુજરાતના માજી મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ સાચું જ કહે છે : 'દેશવિદેશમાં સનાતન સંસ્કૃતિના પ્રસાર અને રક્ષા માટે વિચરતા સ્વામીશ્રી ભારતના સાચા હરતા-ફરતા એલચી (મૂવિંગ ઍમ્બેસેડર) છે.'
એક યુવાન ઉદ્યોગપતિએ પોતાની ઓફિસમાં કામ કરતા બધા જ કર્મચારીને ઓફિસમાં ધૂમ્રપાન કરવાની અને ટિફિનમાં માંસાહાર લાવવાની સખત મનાઈ ફરમાવી છે, ત્યારે કેનેડાના રાષ્ટ્રપ્રમુખ ટ્રુડોએ સ્વામીશ્રી માટે કહેલું કથન યાદ આવે છે : 'આજે દુનિયાનો મોટો પ્રશ્ન એ છે કે લોકો ધર્મને માર્ગે ચાલતા નથી, ત્યારે સ્વામીજીના વિચરણથી આજે લોકોમાં ધાર્મિક ભાવના વધી રહી છે.'
'સાધુ તો ચલતા ભલા અને વહેતાં ભલાં નીર.' આ લોકોક્તિ સ્વામીશ્રીએ અવિરત વિચરણ દ્વારા ચરિતાર્થ કરી છે. ગમે તેટલું મોડું થયું હોય છતાં બધા હરિભક્તોને વ્યક્તિગત મળે. ધૂપસળી સમા સ્વામીશ્રી પોતે કષ્ટ સહેતાં અન્યને સુગંધી આપી રહ્યા છે.
'સંત દેશ પ્રદેશ ફરે છે રે, સહુ જનના અઘ હરે છે રે.' ગંગામાં જેમ મલિન જળ પણ ગંગાતુલ્ય થાય છે. તેમ આ સંતસરિતામાં ગમે તેવો પાપી જીવ આવ્યો હોય તે પણ પવિત્ર થઈ જાય છે.
સ્વામીશ્રી હરિભક્તોને હેતપ્રેમથી વ્યસનો તો છોડાવે પણ સાથે-સાથે સત્સંગને માર્ગે પણ સારી રીતે વાળી દે છે. વ્યસનમુક્તિની સાથે વિકારમુક્તિ પણ કરાવી નાખે છે.
શિકાગોમાં સ્વામીશ્રીએ જગદીશભાઈને પૂછ્યું : 'અમેરિકા ગમ્યું ?' એમણે કહ્યું : 'ન ગમે તોય ગમાડવું પડે છે.' સ્વામીશ્રી કહે : 'એવી રીતે ભગવાન અને સંત ન ગમે તોય ગમાડવા. તિલક-ચાંદલો કરવો. આ સત્સંગ એ આપણી સ્વામિનારાયણ ક્લબ.'
સ્વામીશ્રી રવિવારની સભાનો પણ આગ્રહ ઘણો જ રાખે. કેરીચોમાં એક યુવાન રવિવારની સભામાં નિયમિત ન્હોતા આવતા. સ્વામીશ્રી કહે, 'કેમ ? આવું કેવું ?'
તેઓ કહે : 'એવું રહે છે કે મોડેથી જશું. બીજા સભા ભરે જ છે ને !' સ્વામીશ્રી કહે, 'બીજાની દુકાન ચાલે જ છે ને ! ઘરાક તો તે પણ સાચવી લેશે. એવું થાય છે ? માટે રવિવારની સભા ચૂકવી નહિ.'
સ્વામીશ્રીએ જે કષ્ટ વેઠ્યું છે અને વેઠે છે તેને લઈને સત્સંગ આજે લીલોપલ્લવ થઈ વિસ્તરી રહ્યો છે. ‘रंग लाती है हीना पीस जाने बाद ।' પોતે પિસાયા અને રંગ અન્યને આપ્યો !
કોઈ વારે આ અવિરત વિચરણનો વિચાર કરીએ તો એમ થઈ જાય કે પછીની પેઢીને આ સાચું લાગશે કે સ્વામીશ્રી આવું સદેહે વિચર્યા હશે ?
સ્વામીશ્રીએ ૧૯૭૦થી ૧૯૯૦ સુધીના વીસ વર્ષના ગાળામાં સાડા આઠ હજાર ગામો અને દોઢ લાખ ઘરોમાં પધરામણી કરી વિશ્વવિક્રમ સર્જ્યો છે. ૧૯૭૬ના વરસમાં ૭૨૮ ગામો સુધીનું તેમનું વિચરણ થયું છે. એટલે કે મહિનામાં સરેરાશ ૬૧ ગામો ! ઍરપોર્ટથી ઍરપોર્ટ વિચરણ કરનારા ઘણા છે, પણ આદિવાસીના ઝૂંપડાથી માંડી અમેરિકા જેવા દેશોની મહેલાતોમાં, ગરીબ-તવંગર બધાને ત્યાં સમદૃષ્ટિથી વિચરનારા આવા સંત દુર્લભ છે. સ્વામીશ્રી તો સૂર્ય જેવા. સૂર્યનો પ્રકાશ બધે જ જાય. સ્વામીશ્રીને કાંઈ પરધર્મ જેવું છે જ નહિ. જેને પારકું-પોતાનું નથી તે જ ઉદારચરિત મહાપુરુષ છે. વસો અને પલાણાની મસ્જિદમાં મુસ્લિમભાઈએ સ્વામીશ્રીને નિમંત્ર્યા તો ત્યાં પણ પધાર્યા હતા. ખ્રિસ્તી ધર્મનું ચર્ચ હોય કે યહૂદીઓનું દેવળ, શીખોનું ગુરુદ્વારા હોય કે જૈનના દેરાસર, બૌદ્ધનું પેગોડા હોય કે પારસીઓની અગિયારી. સ્વામીશ્રી સર્વધર્મ પ્રત્યે સમાદર દાખવી દરેક ધર્મસ્થાનોનાં દર્શનાર્થે પધારે છે.
હરિભક્તો માટે તો સ્વામીશ્રી કોઈ મુશ્કેલીને ગણકારતા જ નથી. બારડોલી પાસે આવેલ મઢીથી વિદ્યાનગર એક જ દિવસ માટે આવવાનું થયેલું. બીજે દિવસે પાછા મઢી ગયા ! હરિભક્તોને રાજી કરવા આવા આડેધડ ઉત્તરદક્ષિણના ઘણા કષ્ટદાયક કાર્યક્રમો ઊભા થઈ જતા. મણિભાઈ સલાડવાળા ધામમાં ગયા ત્યારે સ્વામીશ્રી મોરબી હતા. ત્યાં સમાચાર મળ્યા એટલે તરત નીકળ્યા. રાત્રે બે વાગે અમદાવાદ આવ્યા ને રાત માથે લઈ મોટરરસ્તે વહેલી સવારે ઠીકરિયા આવ્યા. મણિભાઈની નનામીને કાંધ આપી. અગ્નિસંસ્કાર પછી અગિયાર વાગે અટલાદરા જઈ સ્નાનપૂજા કરી જમ્યા !
આંખે મોતિયો, પિત્તાશય(ગોલ બ્લેડર)નું અને ગાંઠનું આૅપરેશન, પગે વા અને હાર્ટએટેક. આવાં દર્દોએ સ્વામીશ્રીના વિચરણને રોકવા બળવો પોકાર્યો પણ તેને ગાંઠે તો સ્વામીશ્રી શેના ?
મુંબઈના દાનવીર શેઠ દીપચંદભાઈ ગાર્ડીએ માંડવી(કચ્છ)માં ગુજરાત રાજ્ય પાંજરાપોળ ફેડરેશનનું ઉદ્‌ઘાટન સ્વામીશ્રીના વરદહસ્તે કરાવવા સ્વામીશ્રીને આમંત્રણ પાઠવ્યું. ૧૯૮૫ના ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવના ભીડા પછી તરત જ જાન્યુઆરીમાં આ અંગે જવાનું હતું. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય ઠીક ન હતું, છતાં ત્યાં પહોંચ્યા. ભુજમાં તાવ પણ હતો છતાં જણાવવા દીધું નહિ. છેવટે ગાંધીધામમાં માંદા થઈ ગયા. શારીરિક તકલીફ વેઠીને પણ તેમનો પ્રસંગ શોભાવ્યો !
૧૯૮૩માં હાર્ટએટેક આવ્યો ત્યારે થયું કે હવે સ્વામીશ્રીનું વિચરણ-પધરામણી સદંતર બંધ થઈ જશે. પણ ૧૯૮૪માં તો એક જ વિદેશપ્રવાસમાં પૃથ્વીના પાંચે ખંડમાં વિચરણ કરી લીધું ! તેમાંય ઘણી પધરામણીઓ થઈ. સમગ્ર ભારતનાં ઘણાં બધાં રાજ્યમાં પણ ઘણી વાર વિચર્યા છે. આ પછી ૧૯૮૫માં કાનમમાં ૨૦ દિવસમાં ૯૫ ગામોમાં વિચરણ થયું ત્યારે તાવ હતો. રોજની ઊભાં ઊભાં ત્રીસ-ચાલીસ પધરામણીઓ થઈ જતી. સારી તબિયતમાં પણ આવું વિચરણ થયું નથી. સ્વામીશ્રીને ૧૯૮૩માં હાર્ટએટેક આવ્યો. તે પૂર્વે તો તેમણે વિચરણમાં હદ વાળી નાખેલી. પધરામણીઓનો પાર નહિ. વાસદમાં નિર્જળા એકાદશી. સ્વામીશ્રીએ સવારે સાડા આઠથી ત્રણ સુધી એકસો એક પધરામણીઓ કરી. ઉતારે આવ્યા અને સીધા સૂઈ ગયા. અમે પૂછ્યું : 'કેમ સૂતા ?'
'ઠીક નથી.' પછી જોયું તો ૧૦૨ ડિગ્રી તાવ !
સંતોએ કહ્યું : 'અત્યારે આવ્યો ?'
તેમણે કહ્યું : 'સવારથી જ શરીર ગરમ હતું.'
'તો પહેલાં કહ્યું કેમ નહિ ?'
સ્વામીશ્રી કહે : 'શરીર તો આમ હાલ્યા કરે, હરિભક્તોને રાજી કરી લેવા.'
સ્વામીશ્રીને ઉમંગ તો બહુ. પણ હવે દેહ ઉમંગને સાથ આપતો નથી. આવા અતિ ઉમંગના વિચરણમાં તો જામનગરમાં પગે સોજા આવી ગયેલા. ડૉક્ટરે આની ગંભીરતા એમને કહી, છતાં તે જ દિવસે હરિભક્તોને રાજી કરવા પાંચ પધરામણીઓ તો કરી જ આવ્યા ! સૌરાષ્ટ્રની કાળઝાળ ગરમીમાં ઉનાળામાં વિચરતાં વિચરતાં સાબરકાંઠા વિસ્તારમાં પધાર્યા. હિંમતનગરમાં ઝાડા થઈ ગયા. અશક્તિ આવી ગઈ. તાવ હતો, છતાં કહે : 'ખેડબ્રહ્મા ખાતમુહૂર્તમાં જવું જ છે.' પછી ખેડબ્રહ્મા સંતોને મોકલી માંડમાંડ તેમને સમજાવી અમદાવાદ લાવ્યા.
થાપે મોટી ગાંઠ થયેલી. ડૉક્ટરે તરત જ આૅપરેશન કરવા કહેલું છતાં પાંડુરંગ શાસ્ત્રીજીની શિબિરમાં પ્રયાગ પધાર્યા. શાસ્ત્રીજીને આ ખબર પડી ત્યારે તેઓ ખૂબ જ ગદ્‌ગદિત થઈ બોલી ઊઠેલા કે સ્વામીશ્રીનો મારા પ્રત્યે કેટલો પ્રેમ કે આૅપરેશન ઠેલીને ઠેઠ અહીં પધાર્યા !
રાજમહેલ જેવાં મંદિરો છે પણ સ્વામીશ્રી ભાગ્યે જ મંદિરોમાં રહે. રોજ ગામ બદલાય, ગામગામનાં પાણી બદલાય, છતાં આનંદથી વિચરે. ૧૯૮૦માં સ્વામીશ્રી અમેરિકા હતા. આંખે મોતિયો પાકતો હતો. એક વાર ફિલાડેલ્ફિયામાં મોજડી પહેરવામાં અવળસવળ થઈ ગયું. અમે પૂછ્યું : 'કેમ આમ થયું ?'
'બરાબર દેખાતું નથી.'
પછી તરત બોસ્ટનના ડૉક્ટરને બતાવ્યું. તેમણે કહ્યું : 'થોડા દિવસ મોડા પડ્યા હોત તો આંખે ઝામર થઈ જાત.' અમે પૂછ્યું : 'સ્વામી ! આપને આંખે ઓછું દેખાતું ક્યારનું થયેલું ?'
'ઘણાં દિવસોથી.'
'તો કહ્યું કેમ નહિ ?'
'હરિભક્તોએ રજા લઈને તૈયારીઓ કરી હોય ને આપણે ન જઈએ તો તેમને કેટલી મુશ્કેલી પડે ! આપણું તો જે થવાનું હોય તે થાય, પણ હરિભક્તોને રાજી કરવા.'
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાનું પ્રમુખપદ સ્વીકારતી વખતે સ્વામીશ્રી બોલેલા કે ગુરુશ્રી (શાસ્ત્રીજી મહારાજ) તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી, સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ.
ખરેખર ગુરુ સમક્ષ કહેલું આ કથન સ્વામીશ્રી અક્ષરશઃ પાળી રહ્યા છે.
વિચરણમાં ઘણી મુશ્કેલીઓ પડે, છતાં એક વાર બોલેલા : 'હાર્ટએટેક ન આવ્યો હોત તો હજી પહેલાંની જેમ ગામડાં ફરત. બધા હરિભક્તો રાજી થાત.' ઘણી વાર અમને એમ થાય કે સ્વામીશ્રી આટલો બધો ભીડો વેઠે છે તો તેમને તકલીફ થશે. એટલે હરિભક્તોને સમજાવી દઈએ. પણ પછી હરિભક્ત સ્વામીશ્રી પાસે જાય એટલે બારોબાર કાર્યક્રમ ગોઠવાઈ જ જાય. અમે જોતા જ રહી જઈએ !
એક વાર પીપલગથી પધરામણીઓ કરી ડભાણ આવી ગયા. ત્યાં તો પીપલગના હરિભક્તો આવ્યા અને કહે, 'પધરામણીઓ થોડી રહી ગઈ છે.' સ્વામીશ્રી પાછા જઈ, રાતના બાર સુધી પધરામણીઓ કરી પાછા ડભાણ આવ્યા.
કેટલાક અણસમજુ દુરાગ્રહી હરિભક્તો પધરામણીમાં ઘણી વાર મુશ્કેલી પણ ઊભી કરે. એક ગામમાં પધરામણીએ નીકળ્યા ત્યારે સ્વામીશ્રી એક ભાગોળનાં બધાં ફળિયામાં ઘેર ઘેર જઈ બીજી ભાગોળે પહોંચ્યા. ત્યાં તો એક હરિભક્ત આવીને કહે, 'મારું ઘર પેલી ભાગોળે રહી ગયું. હું ખેતરે ગયો હતો, તમે આવો.' એને રાજી કરવા એક કિ.મી. જેટલું અંતર ચાલીને ત્યાં જઈ બીજી ભાગોળે ફરી પાછા આવ્યા.
એક વાર આણંદમાં અઢી વાગ્યા સુધી પધરામણી કરીને સ્વામીશ્રી ડાહ્યાભાઈ ગજ્જરને ઘેર જમવાની તૈયારી કરતા હતા. ત્યાં એક હરિભક્ત આવ્યા. તેમણે કહ્યું : 'બાપા, તમે મારે ઘેર આવી ગયા અને હું તમને શોધવા ગામમાં ગયેલો. મારી ગેરહાજરીમાં આપ આવી ગયા. આપ ફરી મારી હાજરીમાં પધારો.' એમ બોલતાં બોલતાં તેઓ ગળગળા થઈ ગયા. સ્વામીશ્રી પીરસેલું ભોજન રહેવા દઈ તરત જ તેમને ત્યાં ગયા. પછી ત્રણ વાગે આવી જમ્યા. આવા ગુરુ ક્યાં મળે ?
મુંબઈ જેવા શહેરમાં ચાર-ચાર દાદરા ચડીને પધરામણીએ જવાનું થાય. આદિવાસી વિસ્તારોમાં કાંઈ જ સગવડ ન હોય છતાં મહિનો મહિનો વિચરણ કરે. એક વાર આદિવાસી ગામોમાં ફર્યા ત્યારે બે-અઢી રૂપિયા ભેટના થયા. ત્યાંથી પછી સુરત પધાર્યા. અડધા કલાકમાં આઠ લાખ રૂપિયાની લખણી થઈ. સ્વામીશ્રી પૈસા માટે નહિ, પણ લોકોનાં જીવન પવિત્ર કરવા વિચરે છે. આ પતિતપાવની સરિતાએ અનંત કષ્ટો વેઠીને લાખોનાં જીવન નિર્મળ કરી દીધાં છે.
એક પ્રેરક પ્રસંગ એવો પણ બનેલો કે સ્વામીશ્રી દર વરસે ચોક્કસ દિવસે એક ગામમાં પધારે જ. આવું વરસોથી ચાલ્યું આવતું. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય જરા બગડ્યું એટલે તે ગામના એક વડીલ હરિભક્ત સ્વામીશ્રી પાસે આવ્યા અને કહ્યું : 'બાપા, આપ આવી તબિયત છે તો અમારા ગામમાં હમણાં પધારશો નહિ.' કેટલાય હરિભક્તો હવે ખાતવિધિ, લગ્ન વગેરે પ્રસંગો સ્વામીશ્રી સમક્ષ આવીને જ પતાવી લે છે. સ્થળની ધૂળ સ્વામીશ્રી સમક્ષ લાવી ત્યાં જ ખાત કરાવી લે છે.
એક હરિભક્તનો દીકરો ધામમાં ગયેલો. સ્વામીશ્રી આશ્વાસન આપવા ગયા ત્યારે તેમણે સામેથી કહ્યું : 'બાપા ! આપે તો તેને ધામમાં બેસાડી દીધો છે. અહીં આવવાની તકલીફ શું કામ ઉઠાવી ?'
સ્વામીશ્રી વિચરણમાં શ્રીજીમહારાજને ક્ષણવાર પણ ભૂલતા નથી. તેમના ધર્મનિયમને પણ બરાબર પાળે છે. તબિયત સારી રહી ત્યાં સુધી દર વર્ષે શ્રાવણ માસમાં મહિનાનાં કે પંદર દિવસનાં ધારણાં-પારણાં, એકાદશીનો નિર્જળા ઉપવાસ તો ચાલુ જ રહ્યા. ધર્મ-નિયમના ભોગે સત્સંગ વધારવાનો તેમનો જરાય આગ્રહ નહિ. સ્વામીશ્રીએ એક વાર કહેલું : 'દેશ-વિદેશમાં ફરીએ પણ મન તો ભગવાનનાં ચરણારવિંદમાં રાખીએ.'
આવી આ નિર્મળ સરિતાનું પાન કરવાનો સર્વેને અધિકાર છે. તેમનાં ૨૦ વરસનાં વિચરણ-પધરામણીઓને લઈને સત્સંગ બસો વર્ષ જેટલો આગળ વધી ગયો. ઇંગ્લેન્ડમાં ૧૯૭૦માં સો સત્સંગી પણ ન હતા. અત્યારે પચ્ચીસ હજાર થઈ ગયા. વળી, પાંચ મંદિરો થઈ ગયાં. અમેરિકામાં ૧૯૭૦માં ત્રણ સત્સંગી હતા, અત્યારે પંદર હજાર થયા, સાત મોટાં મંદિરો થઈ ગયાં. કેનેડા, દક્ષિણ આફ્રિકા અને દુબઈ જેવા દેશોમાં પણ મંદિરો થયાં. વિદેશોમાં એક ઇષ્ટદેવ અને એક ગુરુને માનવાવાળાનો જો કોઈ મોટો સમુદાય હોય તો તે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાનો છે. સ્વામીશ્રીએ અત્યાર સુધી તેર વખત પરદેશ યાત્રા કરી અને ચાલીસેક દેશોને પાવન કર્યા. દેશમાં તો ગુજરાતના ખૂણે ખૂણે વિચર્યા અને ભારત વર્ષમાં અન્ય રાજ્યોમાં ઘણી વાર વિચરણ કર્યું છે. પરભાષી પ્રાંતો અને દેશોમાં પણ મંડળો સ્થપાયાં. આફ્રિકામાં હબસીઓનું મંડળ પણ સ્થપાયું.
સ્વામીશ્રીના વિચરણના પરિપાકરૂપે આજે દેશ-વિદેશમાં ૩૦૦ મંદિરો, ૨૫૦૦ જેટલાં સત્સંગકેન્દ્રો, ૪૫૦ ઉપરાંત સાધુઓ, ૧૩૦૦ બાળ સંસ્કાર કેન્દ્ર, ૧૦૦૦ યુવક સંસ્કાર કેન્દ્ર તેમજ ૧૩૦૦ મહિલા કેન્દ્રો થઈ ગયાં.
પત્રવ્યવહાર પણ સ્વામીશ્રીના હરિભક્તો ને સંતો સાથેના સંબંધનું એક મહત્ત્વનું અંગ છે. તે દ્વારા સ્વામીશ્રી સત્સંગીઓની સંભાળ રાખે છે. આપણને લાગે કે સ્વામીશ્રી પત્ર ઉપર લખે છે પરંતુ ખરેખર તો તેઓ હરિભક્તના હૃદયરૂપી કાગળ ઉપર લખે છે. તેમના શબ્દો હૃદયમાં કોતરાઈ જાય. અહોહો ! સ્વામીએ મને યાદ કર્યો ! સ્વામીશ્રી ઘણા હરિભક્તોને સામેથી સંભારી લખતા હોય છે. પ્રેમીભક્તો આવા પત્રો મેળવીને રોજ દર્શન કરે છે. પત્ર-લેખન દ્વારા તો આફ્રિકામાં સત્સંગ વિકસ્યો છે. રવિસભાની શરૂઆત પણ યોગીબાપાના પત્રોથી થયેલી. પત્રોમાં સમજણની, નિષ્ઠાની, વ્યાવહારિક ગૂંચોના ઉકેલની, નિયમ-ધર્મની, સત્સંગ વધારવાની, આધ્યાત્મિક મૂંઝવણના માર્ગદર્શનની, સત્સંગ સમાચારની એવી ઘણી ઘણી વાતો આવે તેથી જીવને પોષણ મળે. મૂંઝવણના સમયમાં આત્માના અવાજને ક્યાં શોધવો ? સ્વામીશ્રીને પત્ર લખીએ અને તરત જ આત્માનો સાચો અવાજ પ્રત્યુત્તર દ્વારા આવી જ જાય.
પત્ર દ્વારા સ્વામીશ્રી મંદિરમાં સંતોને પણ બળ આપે. મંદિરના વહીવટનો પણ ખ્યાલ રખાવે.
અત્યાર સુધી છેલ્લાં વીસ વર્ષમાં બે લાખથી વધુ પત્રો સ્વામીશ્રીએ લખ્યા છે. અને એટલા જ પત્રો જાતે વાંચ્યા છે !
સ્વામીશ્રી પત્રોની જેમ ટેલિફોન દ્વારા પણ ભક્તોને શાંતિ પમાડતા હોય છે. બાથરૂમમાં નાહતાં, જમતાં, સૂતાં સૂતાં પલંગમાં, વૉકિંગ કરતાં કરતાં પણ ટેલિફોન દ્વારા દેશ-પરદેશના ભક્તોને માર્ગદર્શન આપી દેતા હોય છે.
પોતે તાવમાં હોય તોપણ ફોન ચાલુ જ હોય. કોઈના ટેલિફોન માટે રાત્રે જાગે પણ ખરા. જમવાનું પણ જલદી પતાવી દે. એક હરિભક્તે ફોનમાં પૂછ્યું : 'સ્વામી ! કંઈ સેવા માટે આજ્ઞા આપો.' સ્વામીશ્રી કહે : 'સત્સંગ કરો એ જ મોટી સેવા.' આમાં ઘણા પ્રશ્નો હલ થઈ જાય.
સ્વામીશ્રી લુસાકાથી દક્ષિણ આફ્રિકા ગયા. વચ્ચે મલાવી આવે. સ્વામીશ્રીને સમય નહોતો તેથી જઈ શકાયું નહોતું. ત્યાંથી જિતુ પટેલ નામના યુવકનો ટેલિફોન આવ્યો.
સ્વામીશ્રીએ કહ્યું : 'અમારાથી ત્યાં ન અવાયું. આપણે ફોન દ્વારા અંતરિક્ષમાં મળી ગયા. ત્યાં તું એકલો છે એમ ન માનવું. મુક્તમંડળ સાથે છે. 'આઈ લવ યુ.' પ્રેમ છે તો ફોનમાં મળી ગયા. ત્યાં એકલા હોઈએ તો સંપ્રદાયના ગ્રંથો વાંચવા.'
આમ, ફોન દ્વારા પ્રત્યક્ષ મળ્યાનું સુખ આપી દેતા હોય છે, પ્રત્યક્ષ માર્ગદર્શન આપી દેતા હોય છે.
સ્વામીશ્રીની તબિયત સારી હતી ત્યારે તો બધે જ પધરામણીએ પહોંચતા. કોઈ સાજું-માંદું હોય, હૉસ્પિટલમાં હોય તોપણ તરત પહોંચી જઈ તેને આશીર્વાદ આપે. તેને કેટલી બધી રાહત થઈ જાય ! જાણે રોગ સાવ જતો રહ્યો છે તેવું લાગે. આને 'સ્પિરિચ્યુઅલ હીલિંગ' (Spiritual Healing) કહે છે.
શ્રીજીમહારાજે કહ્યું છે કે એવા ભક્તો એ અમારી નાત છે. સ્વામીશ્રી પણ હરિભક્તોને સ્વજન માને છે.
ભાવનગરમાં ચીમનભાઈ પટેલ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય. તેમની તબિયત ખૂબ જ ખરાબ. મંદિરે અવાય તેમ ન હતું. સ્વામીશ્રી તેમને ઘેર જવા તૈયાર થયા. કોઈએ કહ્યું : 'ત્યાં રસ્તો સારો નથી. મોટર નહિ જઈ શકે.' સ્વામીશ્રી કહે : 'હું ચાલીને જઈશ.' ત્યાં જઈ, દાદરો ચડી તેમને આશીર્વાદ આપ્યા.
સાંકરીમાં સોમાભાઈ પટેલનો નોકર લલ્લુ છેલ્લી માંદગીમાં હતો. સ્વામીશ્રી મંદિરેથી ખાસ તેને આશીર્વાદ આપવા ગયા. મંદિરના મોટર ડ્રાઇવર રામુને જોવા આણંદ હૉસ્પિટલમાં પધાર્યા હતા.
કોઈ અશક્ત હરિભક્ત હોય તો સ્વામીશ્રી જાતે આસનેથી ઊઠી, તેની પાસે બેસી જઈને તેનાં ખબરઅંતર પૂછે. નિષ્ઠાવાન ભક્ત ડાહ્યાભાઈને ત્યાં લીંબાસી રાત્રે બાર વાગે પધાર્યા ! ૮૯ની સાલમાં વલસાડ જિલ્લાના કુંડી ગામના સંનિષ્ઠ કાર્યકર અજિતભાઈ ધામમાં ગયા હતા. સ્વામીશ્રી ડુંગરી હતા. તેઓ કહે : 'આપણે ત્યાં જવું છે.' આચાર્ય સ્વામી કહે : 'તેમના સંબંધીઓ સમજણવાળા છે ત્યાં જવાની તકલીફ લેવાની જરૂર નથી. વળી, તેમને જણાવ્યું પણ નથી.' સ્વામીશ્રી કહે : 'એ સારો કાર્યકર હતો. વળી, વલસાડ જતાં રસ્તામાં આવે છે.' પછી ઢળતી સાંજે તેમના ફાર્મમાં પધાર્યા. અજિતભાઈના પિતા સુખાભાઈને મળ્યા. અજિતભાઈના મોટા ભાઈ બાજુના ગામે થયેલા. ખબર પડતાં તેઓ આવ્યા. એમણે કહ્યું : 'મને ખબર જ હતી કે સ્વામી અહીં આવ્યા વિના નહીં રહે.'
સ્વામીશ્રીને સુંદલપુરામાં હાર્ટએટેક આવ્યો એટલે તેમને તરત જ વડોદરા લઈ જવાનું નક્કી થયું હતું. મોટરો વડોદરાના માર્ગે જતી હતી. વચ્ચે ઓડ ચોકડી પાસે ગાડીઓ ઊભી રહી ગઈ. બધાને બીક લાગી કે સ્વામીશ્રીને શું થયું હશે ? પછી બધા સ્વામીશ્રીની મોટર પાસે પહોંચી ગયા. સ્વામીશ્રીએ કહ્યું : 'મેં જ ગાડી ઊભી રખાવી છે. આજે આણંદ ડાહ્યાભાઈ ગજ્જરને ત્યાં આપણે શિક્ષાપત્રીની પારાયણ રાખેલી છે. તેમાં આ માંદગી આવી એટલે મારાથી જવાશે નહિ. તેમણે મંડપ બાંધી સગાંઓને તેડાવ્યાં હશે. માટે આચાર્ય સ્વામી અને બે સંતો અહીંથી સીધા આણંદ જાઓ અને પારાયણ કરી આવો.' આવી અસ્વસ્થ તબિયતમાં પણ હરિભક્તોને રાજી કરવાની કેવી તમન્ના ! આવી ગંભીર સ્થિતિમાં સામાન્ય માણસ તો દેહરૂપ થઈ જાય. સ્વામીશ્રીને તો હરિભક્તો જીવનરૂપ છે.
દોણજાના એક બાઈ હરિભક્તનો સંકલ્પ હતો કે સ્વામીશ્રી વેસ્ટ ઇન્ડીઝ પધારે ૧૯૮૮માં અમેરિકાના પ્રવાસ વખતે કાર્યક્રમ ન હોવા છતાં વેસ્ટ ઇન્ડીઝ પધાર્યા. 'શેરડી ભેગી એરડી.' સ્વામીશ્રીના ત્યાં પધારવાથી સારામાં સારું સત્સંગ મંડળ થઈ ગયું.
રાજસ્થાનમાં શાસ્ત્રીજી મહારાજના વખતના ચુસ્ત સત્સંગી બિલાડાનાં માજીસાહેબ રાજબાની અવસ્થાને લઈને તબિયત અસ્વસ્થ રહે. તેમની ઇચ્છાને માન આપીને ૧૯૯૦ના માર્ચમાં સ્વામીશ્રીએ કાર્યક્રમમાં ફેરફાર કરી અઠવાડિયાનો મારવાડનો કાર્યક્રમ કર્યો, અને તેમના ભાવ પૂરા કર્યા.
સ્વામીશ્રીએ ગોંડલમાં ૧૯૮૬માં વાત કરેલી : 'હરિભક્તો સંસ્થા માટે કેટલું ઘસાય છે ! ઘણી સેવાઓ કરી હોય, ઘણો ભોગ આપ્યો હોય અને એ આવીને કહે કે અમારું ગામ વચ્ચે જ આવે છે. ત્યારે થોડા સારુ ના કેમ પડાય ? તેથી જવાનો વિચાર થઈ જાય. પછી જઈએ તો વળી શરીરને તકલીફ ઊભી રહે !' સ્વામીશ્રીને તેમનું શરીર તેમના ઉત્સાહને સાથ આપતું નથી. તે આ વાત ઉપરથી માલૂમ પડે છે, છતાં તેમની હરિભક્તો પ્રત્યેની ભાવના કેવી છે તેનો ખ્યાલ આવે છે.
તા. ૩૧-૧૨-૮૯ના કોઇમ્બતુર વિરાજતા હતા ત્યારે સાંજે ફોન આવ્યો કે શાસ્ત્રીજી મહારાજના વખતના ચુસ્ત સત્સંગી અંબાલાલકાકા બકરીપોળવાળા ધામમાં ગયા છે. સ્વામીશ્રીએ તરત તેમના સુપુત્ર માણેકભાઈને ફોન જોડી હિંમત આપી. ત્યાર બાદ સાંજે મદ્રાસ જવા સ્ટેશને પધાર્યા. ત્યાં પ્લેટફોર્મ પર બેઠાં બેઠાં જ અંબાલાલકાકાની અંતિમવિધિના સંદર્ભે શું શું કરવું એની વિગતો ઝીણવટથી લખીને એનો ફોન અમદાવાદ કરવાની સૂચના સ્થાનિક હરિભક્ત વિષ્ણુભાઈને આપી. વળી, અમદાવાદના સંતોને પણ અંતિમવિધિમાં જોડાવાની આજ્ઞા કરી.
કેનેડા સત્સંગમંડળના પ્રમુખ ભગવાનજીભાઈ માંદા હતા ત્યારે તેમને જોવા હૉસ્પિટલમાં મોઢે બાંધવાનો માસ્ક પહેરીને ગયા હતા. તેઓ ધામમાં ગયા ત્યારે નરેશભાઈને ફોનમાં કહ્યું : 'એક સંન્નિષ્ઠ કાર્યકર ગયા. ભગવાન પાસે બેસી ગયા. જીવ બહુ બળિયો હતો. ઘરના પરિવારને આશ્વાસન આપજો.'
વિચરણમાં કોઈ હરિભક્તના ગામમાં ગેરસમજણથી કે ગફલતથી જવાનું રહી ગયું હોય કે કોઈને ઘેર પધરામણીએ જવાનું હોય ને ભૂલમાં રહી ગયું હોય તો સ્વામીશ્રીને અંતરમાં ખટકે. પછી પત્ર કે ફોન ઉપર કે રૂબરૂ મળે ત્યારે તે હરિભક્તની અવશ્ય માફી માગે કે આ વખતે ભૂલ થઈ ગઈ છે ફરીથી આવશું માટે રાજી રહેજો. આવાં વચનો કહી પોતે પધારી ન શક્યા તેનું હરિભક્તને થયેલું દુઃખ હળવું કરી નાખે. સ્વામીશ્રી તો બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે જ સુખી રહે છે.
સંસ્કારી મનુષ્યોને જીવનમાં ઘણી વાર એવી મૂંઝવણ આવતી હોય છે જે કોઈને ન કહેવાય કે ન સહેવાય. હૈયાની વાત કહેવી કોને ? આજે કોઈની વાતો સાંભળવા તૈયાર નથી. આવી પરિસ્થિતિમાં ‘संतप्तानाम्‌ त्वमसि शरणम्‌’ સ્વામીશ્રી એક જ આવા સંતપ્તોનું શરણ બની રહે છે.
દીકરા-દીકરી આજ્ઞામાં ન રહેતાં હોય, વળી તેમનાં લગ્નના પ્રશ્નો, નોકરી-ધંધાની મુશ્કેલીઓના પ્રશ્નો, વ્યાવહારિક મૂંઝવણોના પ્રશ્નો કે પછી કામ, ક્રોધ વગેરે દોષનિવારણના પ્રશ્નો હોય, ગૃહસ્થની દરેક પ્રકારની વાતો સ્વામીશ્રી એકાંતમાં સાંભળે. બધું શ્રીજીમહારાજ ઉપર નાંખી દે. ધૂન કરે. અક્ષરદેરીનાં પુષ્પોની પાંખડીઓ આપે, તેને સુખિયો કરી દે. મૂંઝવણની પરાકાષ્ઠાએ પહોંચી કોઈ આત્મઘાત કરવાની અણી પર આવી ગયો હોય તેનેય સ્વામીશ્રી જીવન જીવવાનું નવું જોમ આપી દે.
સ્વામીશ્રીનું ઉદર સાગર જેવું વિશાળ છે. કોઈની વાત કોઈને કહેવી નહિ. નિષ્કપટ થનારને પ્રાયશ્ચિત આપી શુદ્ધ કરી દે. આશ્રિતોના દોષો સાંભળી અને તે દોષો ટાળી દે. કોઈના લૌકિક સંકલ્પો પણ કોઈ વખત પૂરા કરી તેમને સત્સંગમાં આગળ વધારે, પછી નિષ્કામ ભક્તિ ઉપર ચડાવી દે.
સ્વામીશ્રીના આશીર્વાદથી કોઈને સંતાન થયાં ન હોય, કોઈનું કારખાનું ન ચાલતું હોય તે ચાલુ થઈ ગયું હોય, કોઈને નોકરી મળી ગઈ હોય, કોઈનો અસાધ્ય રોગ મટી ગયો હોય, કોઈના લગ્નનું ઠેકાણું પડી ગયું હોય, કોઈના લગ્નમાં સામેથી જઈને સંકલ્પ પૂરો કર્યો હોય, કોઈને ઘેર અંતર્યામીપણે જઈને કે કોઈને સામેથી પ્રસાદી કે પુષ્પહાર આપી તેનો સંકલ્પ પૂરો કર્યો હોય, કોઈને દિવ્યદેહે દર્શન દઈ દુઃખમુક્ત કર્યો હોય, અંતકાળે દિવ્યદેહે દર્શન દીધાં હોય, કોઈનો ઉદ્વેગ મટાડી શાંતિ કરી દીધી હોય - આવા ઘણા ઘણા દાખલાઓ પણ જોયા, સાંભળ્યા છે.
સ્વામીશ્રીનું સહસ્રાવધાનીપણું દાદ માગી લે તેવું છે. કોઈ હરિભક્તે કંઈ વાત કરી હોય, પત્ર લખ્યો હોય, ફોનમાં પૂછ્યું હોય કે કોઈ દ્વારા કહેવરાવ્યું હોય, કોઈને કંઈ કામ માટે કોઈ ભલામણ કરવાની હોય, આવી ઘણી બાબતો તેઓ ડાયરીમાં નોંધ્યા વગર ખૂબ જ ગિરદી અને ધમાલમાં તે તે હરિભક્ત મંદિરને પગથિયે કે સભામાં ગમે ત્યાં મળી જાય એટલે તરત જ તેને તે વાત કહી દે. જેને ભલામણ કરવાની હોય તેને ભલામણ કરી દે. તેઓ કોઈ કામ મુલતવી રાખે નહિ.
કોઈ વાર મિલકતની વહેંચણી કે ભાગીદારીની મુશ્કેલીમાં કે કોઈ અણસમજણને લઈને ઘરમાં ભાઈઓ-ભાઈઓ વચ્ચે કે બાપ-દીકરા વચ્ચે કે મિત્રો વચ્ચે અણબનાવો બનતા હોય છે. તેનું ઉગ્રસ્વરૂપ એવું થઈ જતું હોય છે કે બોલવાના સંબંધ બંધ થઈ જાય, જુદા થવાનો પ્રસંગ બની આવે. એવા સમયમાં સ્વામીશ્રીનું મધ્યસ્થીપણું ઉભયપક્ષે શાંતિદાયક બની જતું હોય છે. એક વાર એક ગામના સગાભાઈઓની મિલકતની વહેંચણી માટે સ્વામીશ્રી રોજના બબ્બે-ત્રણ ત્રણ કલાક સુધી સતત પંદર દિવસ સુધી બેઠા હતા! છેવટે સંતોને મોકલી સુલેહ સંપથી વહેંચણી કરાવી. બંને પક્ષો રાજી થયા. તેમાંના એક ભાઈએ કહ્યું : 'જો અમારા કેસમાં સ્વામીશ્રી ન ભળ્યા હોત તો અમારામાંથી કોઈનું ખૂન થઈ જાત.' 'ભૂધર સુખદુઃખમાંહી ભળ્યા' એ મુજબ સ્વામીશ્રી હરિભક્તોના સુખદુઃખમાં ભળી તેમને શાંતિ અર્પી દેતા હોય છે. એક ગામમાં ઘરના કરા(દીવાલ)ની છ ઇંચની દીવાલ માટે બે ભાઈઓ મારામારી ઉપર આવી જવાના હતા. ત્યાં સ્વામીશ્રીએ પહોંચી સમાધાન કરાવ્યું.
કોઈક વાર સત્સંગીઓ વચ્ચે ગામમાં બે પક્ષો પડી જતા હોય છે. બંને પક્ષે સત્સંગી હોય એટલે સ્વામીશ્રી તેમને બોલાવે, તેઓ જાણે મહાભારત લડવા આવ્યા હોય તેમ સ્વામીશ્રીની હાજરીમાં એકબીજા સામે જેમ તેમ બોલે. સ્વામીશ્રી તેમને બોલવા દે. બળાપો કાઢી નાખે પછી હેતથી સમજાવી સંપ કરાવીને જ જંપે. ઘણી વાર આ પતાવટ અને સમજાવટમાં રાતના બારેય વાગી જાય. અને બપોર હોય તો આરામ પણ જતો રહે. સતત મુલાકાતો ચાલ્યા જ કરે. છતાં કંટાળો નહિ. હરિભક્તોના ભીડાને તેઓ આરામ સમજે છે.
લગ્ન માટેના કેસ આવે તેમ છૂટાછેડા માટેના કેસ પણ આવતા જ હોય છે. તેમને પણ યથાયોગ્ય વ્યવહારુ માર્ગદર્શન આપી શાંતિ કરી દે. સંપૂર્ણ નિઃસ્વાર્થ સ્વામીશ્રી સંસારી ભાવોથી નિર્લેપ છે. એટલે જ તેમનું મધ્યસ્થપણું હરિભક્તો પ્રેમથી સ્વીકારે છે.
સ્વામીશ્રી હરિભક્તોને પોતાના જીવનનું એક અંગ સમજે છે. અરે ! જીવન જ સમજે છે. તેઓ ઘણી વખત સંતોને કહે છે : 'જેમ પાઘડીમાં માથું એમ માથામાં પાઘડી. એમ હરિભક્ત અને આપણે સમજવું. તેમની સંભાળ રાખવી.' હરિભક્ત અને સંત એ તો આશ્રમભેદ છે. અક્ષરધામમાં તો બધાં જ ચૈતન્યની મૂર્તિઓ જ છે. સ્વામીશ્રી હરિભક્તોને કદી બીજા દરજ્જાના સમજતા જ નથી. તેમની આધ્યાત્મિક સંભાળ તો હંમેશાં લે જ છે પણ સાથે સાથે તેમની લૌકિક સંભાવના પણ બરાબર રાખે-રખાવે છે.
રાજકોટમાં પ્રાણલાલભાઈ જોષી નામના વયોવૃદ્ધ હરિભક્તે સવારે કથા પછી સ્વામીશ્રીને કહ્યું : 'મારે આપની સાથે થોડી વાત કરવી છે. સમય આપો ત્યારે રાત્રે આવું.' સ્વામીશ્રી કહે : 'રાત્રે તમને અહીં ફરી આવતાં મુશ્કેલી પડશે. માટે અત્યારે જ વાત કરી લઈએ.' પ્રાણલાલભાઈ તો સ્વામીશ્રીની સરળતા જોઈ આશ્ચર્ય પામી ગયા.
ગોંડલ અન્નકૂટ વખતે સ્વામીશ્રી ઘણા વહેલા ઊઠે. સંતોએ બપોરે આરામ કરવા કહ્યું. સ્વામીશ્રી કહે : 'હરિભક્તોને વિદાય લેવી હોય એટલે સભામંડપમાં જ બેસીએ !'
ગુરુપૂર્ણિમાના સમૈયે બોચાસણમાં હરિભક્તો આવેલા. સ્વામીશ્રીએ ગામડે ફરતા સંતોને બોલાવીને કહ્યું : 'તમારા વિભાગમાંથી જે જે હરિભક્તો આવ્યા હોય તેમને ઉતારો-જમાડવાનું વગેરે બધી જ સંભાવના તમારે કરવી. આ જ તમારો ગુરુપૂર્ણિમાનો સમૈયો.'
ગજેરામાં પારાયણ સ્થળ અને ઉતારો સાથે સાથે હતાં. બહારગામથી આવેલા શ્રોતાઓને સાંજે પોણા છની બસ પકડી પોતાને ગામ જવાનું હોય એટલે કથા સાડાત્રણે શરૂ થાય. લાઉડ સ્પીકર વાગતાં જ સ્વામીશ્રીને આરામમાં તકલીફ ન પડે તેથી કોઈએ સમય બદલવા વાત કરી. સ્વામીશ્રી કહે : 'આપણે ચલાવી લઈએ. હરિભક્તોને પછી વાહન ન મળે. માટે જે છે તે બરાબર છે.'
સ્વામીશ્રી ઘણી વાર કહે છે : 'હરિભક્તો રાજી એટલે આપણે રાજી !'
જર્મનીમાં બોખુમ શહેરમાં ડૉ. અરવિંદભાઈને ત્યાં ફ્રેન્કફર્ટથી ૩૫૦ માઇલનું ડ્રાઈવિંગ કરીને હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શને આવેલા. તેઓ તરત પાછા જવાના હતા. સ્વામીશ્રીએ તેમના અલ્પાહારની વ્યવસ્થા કરાવી અને પ્રસાદ બાંધી આપવા સંતોને કહ્યું. વળી, તેમાં ગળપણની સાથે થોડું તીખું, ઢેબરાં વગેરે મૂકવા કહ્યું.
સ્વામીશ્રી હાર્ટએટેક પછી હૉસ્પિટલમાં આરામમાં હતા. મુંબઈથી ડૉ. યોગિન દવે સ્વામીશ્રીને જોવા આવેલા. સ્વામીશ્રીએ પૂછ્યું : 'વળતાનું રિઝર્વેશન છે ?' 'ના, બાપા ! પણ સ્ટેશન ઉપરથી ટિકિટ મળી જશે.' સ્વામીશ્રીએ સેવકને કહ્યું : 'ડૉક્ટર આજે સાંજે જાય છે માટે ટિકિટ રિઝર્વેશનનું થઈ જાય તેમ કરશો.' સાંજે ડૉ. યોગિન રજા લેવા આવ્યા ત્યારે સ્વામીશ્રીએ કહ્યું : 'તમારી ટિકિટ રિઝર્વેશન સાથે આવી ગઈ છે.' સૂતાં સૂતાં પણ હરિભક્તોની કેવી સંભાળ !
મોમ્બાસામાં સ્વામીશ્રીનો ઉતારો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોમો કેન્યાટાના બંગલામાં હતો. સ્વામીશ્રીને તકલીફ ન પડે એટલે કાર્યકર્તાઓએ હરિભક્તોને ત્યાં આવવાની મનાઈ કરેલી. સ્વામીશ્રીએ આ જાણ્યું ત્યારે ખિન્ન સ્વરે બોલ્યા : 'આવી કડકાઈ રાખવાની જરૂર નહીં. ભલે બધા આવે !' સ્વામીશ્રીને એમ કે મને ભલે તકલીફ પડે પણ કોઈ હરિભક્ત મારી તકલીફને લઈને સત્સંગમાંથી પાછો પડવો જોઈએ નહિ.
'ઓલી નદિયું પોતાનાં નીર નથી પીતી રે, ઉપકારી એનો આતમા રે.'
દુલા કાગની આ પંક્તિઓ સ્વામીશ્રીમાં સંપૂર્ણ ચરિતાર્થ થાય છે. આ સંત સરિતા પરોપકાર માટે જ વિશ્વમાં વહે છે.
સ્વામીશ્રીને હરિભક્તોનો મહિમા પણ એટલો જ. અટલાદરામાં હર્ષદભાઈ દવે ભૂલમાં સ્વામીશ્રીના નાહવાના બાથરૂમમાં સ્નાન કરવા ગયા. કોઈકે રોક્યા. સ્વામીશ્રી ત્યાંથી નીકળતા હતા. તેમણે કહ્યું : 'હરિભક્તને ઓળખો. ભલે તેઓ ત્યાં નહાય.' એમ બોલતાં પોતે ભંડકિયાની ચોકડીએ નાહવા જતા રહ્યા. આજીવન સેવાપરાયણ ત્રિભાકાકા બોચાસણમાં માંદા હતા. સ્વામીશ્રી તેમને જોવા પધાર્યા અને તેમને પવન નાંખવા બેઠા.
ગોંડલમાં યોગી જયંતીએ ભયંકર તાપ હતો. ચોકમાં સભા હતી. સ્વામીશ્રી માટે ઍરકૂલર રાખેલું. તે વખતે ડૉ. સામાણી આવ્યા અને સભામાં બેઠા. સ્વામીશ્રીએ તેમની જાણ બહાર એરકૂલર તેમની તરફ ફેરવાવી દીધું. અન્યના સુખમાં જ પોતાનું સુખ.
ગોવિંદસિંહ ચૂડાસમા ગોંડલ પધારે ત્યારે સ્વામીશ્રી કહે : 'ઘરે તમે એકલા રહો છો માટે રસોડું ઉઘાડવું નહિ. મંદિરેથી રોજ ટિફિન મોકલીશું.'
એક વાર સારંગપુરમાં મચ્છરો ઘણા વધી ગયેલા. એક સંતે કહ્યું : 'અહીં તો મચ્છરના ઝુંડના ઝુંડ આવે છે.' સ્વામીશ્રીએ તરત જ કહ્યું : 'હરિભક્તોનું શું થતું હશે ? તેમને મચ્છરદાની આપી ?'
અલાહાબાદમાં નાની વાવડીના હરિભક્તો જાત્રાએ આવેલા. સ્વામીશ્રી પણ ત્યાં પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીની શિબિરમાં પધારેલા. આ હરિભક્તોના બસવાળાએ જમાડવાની કબૂલાત કરેલી પણ પછી તે કોન્ટ્રાક્ટર ફરી ગયો. હરિભક્તોનું ભાથું પૂરું થઈ ગયું હતું. હરિભક્તો બહારનું ખાય નહિ. સ્વામીશ્રીએ આ વાત જાણી. દિલ્હીથી સ્વામીશ્રી અને સંતો માટે પાંચેક દિવસનું ભાથું સાથે લીધેલું. સ્વામીશ્રીએ સંતોને કહ્યું : 'ઠાકોરજી પૂરતું રાખીને બધું જ ભાથું આ હરિભક્તોને આપી દ્યો.'
એક વાર સ્વામીશ્રીને શાસ્ત્રીજી મહારાજના વખતના ચુસ્ત વયોવૃદ્ધ હરિભક્ત તુલસીભાઈ સ્વામીશ્રીને કહે : 'મારાં ચશ્માં મોતિયાનાં છે, તે બહુ ભારે લાગે છે. માટે સહેજ હલકાં ચશ્માં મળે તો લેતા આવજો.' સ્વામીશ્રીએ તરત જ સેવક સંત નારાયણચરણ સ્વામીને કહ્યું : 'અમારાં ચશ્માં છે તે તુલસીભાઈને આપી દો.'
૧૯૮૯માં લંડનથી છોટાભાઈ આવેલા. તેઓ સ્વામીશ્રીને કહે : 'મારા ભાઈને આૅપરેશન કરાવવાનું છે. એની સેવામાં કોઈ નથી. એટલે હું ખાસ લંડનથી આવ્યો. અહીં આવ્યા પછી મને એટલો બધો દમ ચડે છે કે જાણે હમણાં જીવ જશે. હજી આૅપરેશનની દસેક દિવસની વાર છે. શું કરવું તે સમજાતું નથી.' સ્વામીશ્રીએ કહ્યું : 'છોટાભાઈ, તમને અહીં સારું ન રહેતું હોય તો લંડન જવું હોય તો જજો. તમારા ભાઈને વિદ્યાનગર મોકલી આપજો. સંત સેવા કરશે.'
એક હરિભક્તને દીકરો પરણાવવાની રકમ નહોતી. સ્વામીશ્રી કહે : 'સમૈયામાં સમૂહલગ્નમાં વિધિ પતાવી દઈશું.' એમ કહી તેની મૂંઝવણ ટાળી દીધી. લગ્ન જેવી ગંભીર બાબતોની સાથે સાથે નાનામાં નાની વસ્તુનું પણ સ્વામીશ્રી ધ્યાન રાખે છે.
ગુજરાતના રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન ખાતાના સચિવ શ્રી વર્મા સ્વામીશ્રીનાં દર્શને સારંગપુર આવેલા. મંદિરમાં સ્વામીશ્રી તેમને પોતાની સાથે દર્શને લઈ ગયા. તે વખતે એક પાર્ષદને સૂચના આપી કે સાહેબના જોડા જ્યાંથી ઊતરવાનું છે તે તરફના પગથિયે લાવીને મૂકી દેજો. કોઈ ચોરી ન જાય તે જોજો !' શ્રી વર્માને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ પણ બોલી ઊઠ્યા કે બાપા હરિભક્તોની તો ખૂબ જ સંભાળ રાખે જ છે, પરંતુ હરિભક્તોના જોડાની પણ સંભાળ રાખે છે !!
૧૯૮૭ના ભયંકર દુષ્કાળમાં ઢોરોને સાચવ્યાં, ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓની ફી ન લીધી. હજારો હરિભક્તોને છાશ, સુખડી અને અનાજ ઘેર બેઠાં પહોંચાડ્યાં. દુષ્કાળ પછી ઢોરો પાછાં મોકલ્યાં ત્યારે સાથે ઘાસની લોરીઓ પણ મોકલી. બીજે વરસે હરિભક્તોનો ધર્માદો પણ ન લીધો જેથી તેમને માથે જે દેવું હોય તે ચૂકવી શકે. દુષ્કાળમાં ઉપરથી તો મેહ વરસ્યો નહિ પણ હંમેશાં કૃપાજળથી છલકાતી, શાશ્વત વહેતી આ લોકમાતા સંતસરિતાએ તો લાખોને ઉગારી લીધા.
સ્વામીશ્રી હરિભક્તોની રુચિ પણ જાણે. વડોદરાવાળા અશોકભાઈ પટેલને ટમેટાંવાળી દાળ ફાવતી નથી એવું જાણ્યું એટલે સ્વામીશ્રીએ સેવકને કહ્યું : 'તેમને માટે જુદી દાળ બનાવવી.'
સંઘમાં જે હરિભક્તો હોય તેમને ગરમ પાણી, રહેવા, જમવાની બધી જ કાળજી રાખે. નૈરોબીવાળા નટુભાઈને ગળ્યું ફાવતું નથી તે સ્વામીશ્રી જાણે. ઘણા વખતે સ્વામીશ્રીને તે મળ્યા. જમવા બેસાડ્યા. સ્વામીશ્રીએ કહ્યું : 'તેમને ગળ્યું ફાવતું નથી માટે રોટલી આપજો.' નટુભાઈને થયું કે આવી ખબર તો ઘરવાળાં પણ રાખે નહિ. કોઈની રુચિ જાણી તેને તે વસ્તુની પ્રેમથી પ્રસાદી આપે : 'તમારા બાબાને અમારા વતી આ પ્રસાદ આપજો.' એમ પ્રસાદી આપી હરિભક્તને પ્રસન્ન કરી દે. બાળકની લટ લેવાની હોય કે નામ પાડવાનું હોય, સ્વામીશ્રી પાસે હરિભક્તો એમના બાળકને લઈ આવે ત્યારે સ્વામીશ્રી લાડપૂર્વક જાતે લટ લે તો કોઈનાં નામ પાડતી વખતે નામમાં રહેલા અર્થની વાત વણી લઈ બાળસહજ ગોઠડી કરી લે. એક બાળકનું નામ 'કીર્તન' પાડીને કહે, 'આપણે ભગવાનનું ભજન-કીર્તન કરતાં રહેવું.'
કલકત્તામાં નારણભાઈ બાઢડાવાળાને મોળી ચા આવી ગઈ હતી. સ્વામીશ્રીએ આ જાણ્યું. ખાંડ લઈને તેમની ચામાં નાખી તે એઠી ગરમ ચાને પોતાની આંગળી વડે હલાવવા માંડ્યા. નારણભાઈના હૈયામાં આ પ્રસંગ જડાઈ ગયો છે.
સ્વામીશ્રી એક વાર જૂનાગઢથી ગોંડલ જતા હતા. બાઢડાવાળા માવજીભાઈ સાથે હતા. વચ્ચે એક ગામમાં પધરામણી કરવાની હતી. સ્વામીશ્રીએ માવજીભાઈને કહ્યું : 'તમે અહીં રોકાવ, અમે જઈને આવીએ છીએ !' પધરામણીમાં તલ અને ખાંડ હતી. સ્વામીશ્રીએ પોતાના ગાતરિયાને છેડે તે પ્રસાદ બાંધી દીધો અને મોટર આગળ આવી માવજીભાઈને દીધો. માવજીભાઈને આ મીઠાશ હજી દાઢમાં રહી ગઈ છે.
આ, પ્રેમસરિતા આવા આવા ઘણા હરિભક્તોને પ્રેમપ્લાવિત કરી દે છે, પ્રેમમાં ડુબાડી દે છે.
લંડનમાં ચંદુભાઈની મીઠાઈની દુકાનમાં બધા હરિભક્તોને સ્વામીશ્રીએ જાતે સમોસાં પીરસ્યાં. હરિભક્તો આવી સ્મૃતિ જિંદગીભર વાગોળતા હોય છે. મોટર ચલાવતા ઇન્દ્રવદનભાઈને સ્વામીશ્રીએ ચટણીમાં બોળી બોળીને મેંદુવડાં પોતાના હાથે જમાડ્યાં હતાં. યજ્ઞમાં એક હરિભક્ત મોડા આવ્યા. સ્વામીશ્રીએ પોતાની બાંધેલી નાડાછડી છોડીને તેમને બાંધી દીધી.
કોઈ પ્રેમી હરિભક્ત મળી ગયા હોય અથવા કોઈએ તેમનું વચન માન્યું હોય તો આ સંતસરિતાના હૃદયમાં ઊભરો આવી જાય. ત્યારે તેને માથે હાથ મૂકે અને બાથમાં લઈને ભેટે. હરિભક્તનાં રોમ રોમ પુલકિત થઈ જાય.
આવી રીતે સ્વામીશ્રીએ હરિભક્તોને રમાડી, જમાડી હેત કરીને પોતાનામાં આત્મબુદ્ધિ અને પ્રીતિ કરાવી દીધી છે. પરમેશ્વરનું સાક્ષાત્‌ દર્શન થવાનું આ જ સાધન છે ને ! એટલે જ તો પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રી હરિભક્તોને ઉદ્દેશીને બોલી ઊઠેલા : 'તમને અબજો રૂપિયા દેનારા તો ઘણા મળશે પણ તમારો હાથ પકડીને ભગવાન સન્મુખ કરનારા પ્રમુખસ્વામી જેવા બીજા કોઈ ગુરુ તમને નહિ મળે.'
હરિભક્તોની મુશ્કેલીમાં સ્વામીશ્રીનું માર્ગદર્શન સચોટ હોય છે. શિકાગો મંડળના પ્રમુખ કરસનભાઈ સાંગાણી ધામમાં ગયા. તેમની અંતિમ ઇચ્છા એવી કે તેમનો અગ્નિસંસ્કાર ભારતમાં તેમના વતન ભડિયાદમાં થાય. તેમના બધાં સગાવહાલાં અમેરિકા હતાં. હવે શું કરવું ? સ્વામીશ્રી ઉપર ટેલિફોન આવ્યો. સ્વામીશ્રી આ ધર્મસંકટ જાણી ગયા. તેમણે કહ્યું : 'તેઓ તો ધામમાં જ બેસી ગયા છે માટે અમેરિકામાં અગ્નિસંસ્કાર કરી દો. પછી અનુકૂળતાએ ઘેલા નદીમાં અને ગોંડલી નદીમાં અસ્થિ પધરાવવાં લાવવાં. સ્વામીશ્રીના માર્ગદર્શનથી બધી ગૂંચ ઊકલી ગઈ. કોઈની મૂંઝવણ હોય કે દુકાન વેચું કે રાખું ? નોકરી કરું કે ધંધો ? સ્વામીશ્રી તેની મૂંઝવણ તરત જ ટાળી નાખે.
સુંદરપુરાવાળા ડૉ. મણિભાઈને નિવૃત્ત થઈ ભગવાન ભજવા મંદિરે આવવું હતું. સ્વામીશ્રીએ વ્યવહારુ વાત કરી, 'તમારા ઘરની જવાબદારીથી સાવ મુક્ત થયા છો ? ઘેર કોઈ જવાબદારી રહી ન હોય તો જ મંદિરે રહેવું. નહીંતર ઘેર રહી આજુબાજુ સત્સંગ કરાવવો. તમારાં બૈરાંને ઓશિયાળાં રહેવું પડે તેવું ન કરવું.'
દેશ-વિદેશમાં લાખો હરિભક્તો પથરાયેલા છે. ઘણા સમય પછી કોઈ હરિભક્ત મળી જાય, તો સ્વામીશ્રી તરત જ તેને નામ દઈને બોલાવે. મુંબઈમાં કેમ્પ કોર્નર આગળ એક હરિભક્તને સ્વામીશ્રીએ જોયા અને બૂમ પાડી : 'એ ઈનામદાર, કેમ દેખાતા નથી ?' ઘણાં વર્ષો પછી તેમનો ચહેરો બદલાઈ ગયેલો છતાં તેમને ઓળખી ગયા.
સ્વામીશ્રીને હરિભક્તોની સ્મૃતિ કેટલી ! સ્વામીશ્રી ૧૯૮૪માં વિદેશ વિચરણ પછી અમદાવાદ પધાર્યા. અહીં તેમણે પૂછયું : 'નીલકંઠ મહેતા કેમ દેખાતા નથી ?' નીલકંઠભાઈ સમૈયાની તૈયારી માટે ભાદરા ગયેલા. સ્વામીશ્રી ભાદરા પધાર્યા ત્યારે નીલકંઠભાઈને કહ્યું : 'અમે તમને અમદાવાદમાં સંભાર્યા હતા !' નીલકંઠભાઈની આંખમાં ધન્યતાનાં મોતીબિન્દુ ઝળકી ગયાં.
રઢુમાં સ્વામીશ્રી પારાયણ પ્રસંગે પધાર્યા. મંદિરોના કોઠારીઓ અને ઘણા બધા સંતો સાથે હતા. સ્વામીશ્રીએ સત્સંગ માટે ભોગ આપનાર મોટા સ્વામી અને તેમના ભાઈ ઈશ્વરભાઈ દાજીના વિશાળ પરિવારના નાના મોટા બધાનો નામ સહિત સંતોને પરિચય કરાવ્યો.
સ્વામીશ્રીને ઘણા હરિભક્તોની પાંચ પાંચ પેઢીઓના બધા પરિવારનાં નામ બરાબર મોઢે. એમનાં સગાઓ ભૂલી જાય. સ્વામીશ્રી ભૂલે નહિ.
સાનફ્રાન્સિસ્કોમાં ઈશ્વરભાઈ પટેલના દીકરા રમેશભાઈને મળી સ્વામીશ્રી બોલ્યા : 'રમેશ, તને ગોતવા અમે આખું અમેરિકા શોધી વળ્યા.' આવો પ્રેમ રમેશ કેમ ભૂલી શકે ?
સ્વામીશ્રી હરિભક્તો સાથે વાર્તાલાપ એવી મીઠાશ અને આત્મીયતાથી કરે કે હરિભક્તને જાણે છતી દેહે ધામનું સુખ અનુભવાય. હાડેવાથી દેસાઈકાકા બોચાસણ આવ્યા હતા. તેઓને નીચે બેસવાની તકલીફ હતી. સંતો ખુરશી લાવ્યા. સ્વામીશ્રી સામે તેઓ તેમાં બેસવાની ના પાડતા હતા. સ્વામીશ્રીએ કહ્યું : 'આપણે અક્ષરધામમાં સાથે બેસવાનું છે એટલે અહીં ખુરશીમાં બેસો.' દેસાઈકાકા કહે : 'મને એકલાને અક્ષરધામમાં ના લઈ જતા.' સ્વામીશ્રી કહે : 'તમને અને તમારા મિત્ર હમીરભાઈ(મુસ્લિમ) અને બધાને મહારાજ ધામમાં બેસાડશે. અહીં બેસાડ્યા તેમ અક્ષરધામમાં બેસાડી દઈશું. ચિંતા ન કરતા. મહારાજમાં વૃત્તિ રાખજો.' આ શીતલસરિતાનાં શીતલ બિન્દુઓના છંટકાવથી હરિભક્તોનાં તપ્તજીવનમાં શાંતિ આવે છે.
સ્વામીશ્રીના સંબંધે હરિભક્તોને સંતોનો તો ખૂબ જ મહિમા હોય જ, પણ સ્વામીશ્રીના સંબંધવાળા જાણીને હરિભક્તોનો પણ અરસપરસ ઘણો જ મહિમા. દેશ હોય કે પરદેશ, સ્વામીશ્રીનો પત્ર લઈ હરિભક્તો જાય ત્યારે ત્યાંના સ્થાનિક હરિભક્તો તેમને ઘર કરતાં વધુ સાચવે.
બી. જી. ભટ્ટ સારવાર માટે હ્યુસ્ટન ગયા ત્યારે જાણે સ્વામીશ્રી પધાર્યા હોય એમ મહિમા સમજી સુરેશભાઈ પોતાની રોલ્સરોય ગાડી લઈ લેવા ગયા. આફ્રિકા પધારેલા હરિભક્તોની સેવા ત્યાંના હરિભક્તોએ સંતો જેવી જ કરી.
પરદેશમાં કોઈ નવા મુમુક્ષુ જાય અને ત્યાં ઠંડી અને બરફને અવગણીને રવિસભામાં આવતા હજારો હરિભક્તોને જોઈ આશ્ચર્ય પામી જાય છે. વળી, તેઓ જ્યાં ઊતર્યા હોય તે હરિભક્તોના ઘરે તેમની થયેલી સરભરા અને તે હરિભક્તોનું કેવળ સત્સંગપરાયણ જીવન જોઈ તેઓ ઝૂમી ઊઠે છે અને મનમાં વિચારી રહે છે કે સ્વામીશ્રીએ પરદેશના વિલાસી વાતાવરણમાં કેવા હરિભક્તો પકવ્યા છે ! પછી તેઓ પણ સત્સંગી થઈ જાય છે.
નદીમાં બગલો ડૂબકી મારીને બહાર આવે તો બગલો જ રહે છે. તે કદી હંસ થતો જ નથી. પરંતુ આ સંતસરિતામાં જેણે ડૂબકી મારી તેઓ હંસ બની જાય છે. તેમનાં જીવન સત્સંગમય બની ગયાં છે. આ જળની અસર તેમના અણુએ અણુમાં થઈ ગઈ છે.
મુંબઈના જયંતભાઈ મહેતાના જુવાનજોધ જમાઈ રાજેન્દ્ર અજમેરા ધામમાં ગયા. દીકરીને જુવાન અવસ્થાએ વૈધવ્ય આવ્યું. કલકત્તામાં સ્વામીશ્રી રાજેન્દ્રના મૃતદેહ પાસે બિરાજ્યા હતા. ત્યારે જયંતભાઈ મુંબઈથી આવ્યા. સીધા સ્વામીશ્રીને મળ્યા અને પૂછ્યું : 'બાપા, આપની તબિયત તો સારી છે ને ? મારા બેન બનેવીએ શિકાગોમાં રાજેન્દ્ર સારી સેવા કરી છે. તો તેઓ સત્સંગી થાય તેવી કૃપા કરજો !' કશો શોક નહિ ! તેમની દીકરીએ પણ સજ્જા પૂરવાની વિશિષ્ટ રીત દર્શાવી. સ્વામીશ્રીની વપરાશની બધી ચીજો તેમણે ઠાકોરજીને અર્પણ કરી.
ગોપાળભાઈ સાંગલીવાળાનો નાનો દીકરો ધામમાં ગયો ત્યારે તેમણે ગામમાં સાકર વહેંચી. તેમને એ ખુશાલી કે મારો દીકરો ભગવાનની સેવામાં ગયો ! સ્વામીશ્રી બાર વર્ષે સાંગલી આવતા હતા. તેમણે ઉતારા માટે પોતાનું ઘર રંગાવ્યું, નવું ફર્નિચર વસાવ્યું. પરંતુ સ્વામીશ્રીનો ઉતારો એક જૈનને ઘરે થયો, તોય તેઓ રાજી જ હતા.
અમેરિકામાં ડૉ. વી. સી. પટેલને કેન્સર થયેલું. ડૉક્ટરે માંસ, ઈંડાં લેવાં કહ્યું. તેઓ પચીસેક વર્ષથી અમેરિકા છે. તેમણે કહ્યું : 'મરી જાઉં તો ભલે, પણ આ તો નહિ જ લઉં.'
દેશ-વિદેશમાં ગમે તેવી પાર્ટીઓમાં જવાનું થાય છતાં જે દારૂમાંસને અડે નહિ એવા હરિભક્તને જોઈ લોકો ખાતરીપૂર્વક કહે છે કે આ પ્રમુખસ્વામી મહારાજનો જ શિષ્ય છે.
સેલવાસના એક કાર્યકર રતિભાઈ પટેલને મોટા સારા પગારે ગુજરાતમાં નોકરી મળતી હતી પણ સ્વામીશ્રીની આજ્ઞાથી તે લોભ છોડી સેલવાસમાં જ રહ્યા.
અમેરિકામાં મિલિટરીમાં નોકરી કરતા યુવક પ્રકાશ મહેતાને તિલક-ચાંદલો કરવાની મિલિટરીવાળાએ ના પાડી. તેણે કેસ કર્યો અને જીતી ગયો. તે નિયમિત તિલક-ચાંદલો કરે છે.
વડોદરાના એક બહુરાષ્ટ્રીય ઉદ્યોગ ધરાવતા ઉદ્યોગપતિ મનુભાઈ પટેલ દેશ-વિદેશમાં ધંધા માટે ફરે છે. ઇસ્લામધર્મી સાઉદી અરેબિયામાં તેમની 'નિત્યપૂજા' અધિકારીઓએ દેશમાં લઈ જવાની ના પાડી. તેમણે કહ્યું : 'પૂજા કર્યા વગર હું જમતો નથી. માટે હું પાછો જઈશ. તમને તમારો ધર્મ વહાલો છે તેમ મને મારો ધર્મ વહાલો છે. તમારા દેશમાં ધંધો નથી કરવો.' છેવટે ધર્માંધ આરબોને પણ નમતું જોખવું પડ્યું.
પંચમહાલમાં રાબોડ ગામે રામભાઈના દીકરા પ્રદીપનું લગ્ન હતું. તે જ દિવસે સ્વામીશ્રી ત્યાં પધારવાના હતા. કલાક પહેલાં દીકરાનાં સાસુ ધામમાં ગયાં. છતાં સ્વામીશ્રીનું ધામધૂમથી સ્વાગત કર્યું. મિષ્ટાન્ન જમાડ્યું. પ્રદીપનાં પત્ની પણ પાકા સત્સંગી. બાજુના ગામમાં માનો અગ્નિસંસ્કાર થતો હતો છતાં ત્યાં ગયા નહિ. સ્વામીશ્રીનાં દર્શન માટે રોકાઈ ગયાં. બીજે દિવસે ઘોઘંબા મંદિરની પ્રતિષ્ઠાના યજ્ઞમાં પણ પોતાના પતિ સાથે બેઠાં.
ઉત્તર ગુજરાતના ઉનાવાના બચુભાઈ પટેલ ઉપર ભૂવાએ મેલી વિદ્યા અજમાવી તેમનું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું. છતાં ભૂવાને વશ થયા નહિ. પછી સ્વામીશ્રીના આશીર્વાદથી પાછું તેમને જેમ હતું તેમ થઈ ગયું.
પચ્છેગામના કોળી ભક્ત માતાના ભૂવા હતા. પછી સત્સંગી થયા ને દીકરો ધામમાં ગયો. નાતનો વિરોધ થયો છતાં સત્સંગ છોડ્યો નહિ.
એવા પણ હરિભક્તો છે કે તેમના દીકરા ગાંડા હોય, માનસિક રીતે બીમાર હોય છતાં ભૂવા-જાગરિયા પાસે જાય નહિ. એવા અસંખ્ય હરિભક્તો છે જેઓ ચેષ્ટા બોલ્યા વગર સૂવે નહિ. ન બોલાય તો બીજે દિવસે ઉપવાસ કરી નાંખે. ચાર ચાર મહિનાનાં ધારણાંપારણાં કરનાર પણ છે. સ્વામીશ્રીએ દેશ-વિદેશમાં એવા લાખો હરિભક્તો તૈયાર કર્યા છે કે જેઓ નિત્યપૂજા કરે, ઘરનાં બધાં સભ્યો ભેગા થઈ આરતી, થાળ અને ઘરસભા કરે. તેમનાં ઘરમંદિરમાં મહારાજ-સ્વામી અને ગુરુપરંપરા સિવાય અન્ય ફોટાઓ કે સૂરધનનાં નાળિયેર કે કોઈ યંત્રો હોય જ નહિ. પરદેશના ભક્તો પરદેશના વિલાસી વાતાવરણમાં તદ્દન અલિપ્ત રહીને, પોતાનાં કામો હડસેલીને બીજા દેશોમાં પણ સત્સંગ પ્રવાસો કરે છે.
અમેરિકાના પ્રેમી ભક્તોએ સ્વામીશ્રીને પ્રકાશ મહેતા દ્વારા કહેવડાવ્યું કે આપનો રોગ અમને આપી દો. આપ તબિયત સારી રાખો અમે કષ્ટ ભોગવીશું. સ્વામીશ્રીએ કહ્યું : 'બધાં ભોગવે એનાં કરતાં હું એકલો ભોગવું એ શું ખોટું ?'
સ્વામીશ્રીની પ્રાર્થના પણ આવી જ હોય છે કે બધા સંતો-હરિભક્તો સુખી થાય પોતા માટે તો કોઈ પ્રાર્થના કરે જ નહિ.
દેશ-પરદેશમાં અન્ય વિશિષ્ટ કાર્યક્રમોમાં સ્વામીશ્રીના સ્વયંસેવકોની વ્યવસ્થા અને આયોજનો માટે સેવા લેવાય. હરિભક્તોના સંયમી જીવન જોઈ ઇંગ્લેન્ડ અને કેનેડાની પાર્લામેન્ટને લાગ્યું કે આવું જીવન પરિવર્તન કરનાર સંતનું આપણેય સ્વાગત કરી તેમના જેવો આપણો સમાજ બનાવીએ. અને આ સંત-સરિતાએ પાર્લામેન્ટમાં પ્રવેશી વિદેશીઓનાં અંતર ઠારી દીધાં. અમેરિકામાં ઘણાં શહેરોના મેયરો સ્વામીશ્રીને 'કી ટુ ધી સીટી' આપે. અમે પૂછ્યું : 'તમે તો સ્વામીને હમણાં મળ્યા. તમે તેમનામાં શું જોયું ?' જવાબ મળતો : 'અહીં વસતા હજારો હરિભક્તોનાં દિવ્યજીવન જોઈ અમને થયું કે તેમના ગુરુ ખરેખર મહાન હોવા જ જોઈએ. તેથી તેમને સન્માનીએ છીએ.' આવા છે સ્વામીશ્રીએ પ્રેમથી પકવેલા હરિભક્તો.
આ સ્નેહ-સરિતાના પરમસ્નેહથી અભિષિક્ત થયેલા હરિભક્તોનો મનમાં એમ રહે કે સ્વામીશ્રી માટે શું ન થાય ? તન, મન, ધન બધું જ સમર્પણ કરી દે છે. હરિભક્તોને સ્વામીશ્રી માટે એવો તો ઉમંગ આવી ગયો કે તેમને સોને તોળી દીધા. ઘણા હરિભક્તોએ તો સારી જમીનો, પોતાનાં મોંઘાં ઘરો, મંદિરને અર્પણ કરી દીધાં છે.
લંડનમાં મોટું મંદિર થાય છે. તેની લોન ભરવા માટે કોઈએ પોતાના ફલેટ, કોઈએ પોતાની દુકાન, તો કોઈએ પોતાની કાર વેચી દીધી. કોઈએ દીકરીને પરણાવવા રાખેલી રકમ પણ આપી દીધી.
સત્સંગના મહોત્સવોની સેવામાં તો કોઈએ એક ટાણું ખાઈને પણ સેવા કરી છે. હરિભક્તોએ હદ કરી નાખી છે. રસની લારી ખેંચનારે પણ પંદર હજાર રૂપિયા લખાવ્યા છે. કોઈ ગરીબ પગીએ પણ એકસો એક રૂપિયા લખાવ્યા છે. એક હરિભક્તનાં ચશ્માંની એક દાંડી જ નહિ, છતાં સ્વામી પધારે તો પ્રાણ પાથરે ! દેશ-વિદેશના હરિભક્તોમાં સત્સંગ ઊંડો ઊતર્યો છે તેની પ્રતીતિ તો તેઓ પોતાના હૃદયના ટુકડા સમા ભણેલા-ગણેલા પુત્રોને સાધુ થવા આપી દે છે ત્યારે થાય છે.
કેટલાકે એકના એક દીકરાને કે બબ્બે દીકરાઓને સ્વામીશ્રીની સેવામાં સમર્પી દીધા છે. ત્રણ-ત્રણ પુત્રો પણ આપેલા છે. સાધુ ન થઈ શકનારા આજીવન કાર્યકર તરીકે પણ સેવામાં આવી ગયા છે.
આ પુણ્યગંગા લોકોની વચ્ચે આજે સિત્તેર વર્ષની વૃદ્ધ વયે પણ વહે છે, એના વહેણમાં જે આવે છે તે ભવપાર થઈ જાય છે.
સંત-હરિભક્તોને સર્વસ્વ સ્વામીશ્રીને સમર્પી દેવાનો ઉત્સાહ શા માટે આવે છે ? એવું તે શું સ્વામીશ્રીએ કર્યું છે કે બધા પોતાનું સર્વસ્વ સ્વામીશ્રી પર ન્યોચ્છાવર કરવા તત્પર થઈ જાય છે ?
સ્વામીશ્રી અન્ય માટે એવા ઘસાયા છે કે હવે એમના ઉજાસમાં સૌ પરવાના બનીને દોડી આવે છે.
દક્ષિણ ગુજરાતના કરચેલિયા ગામમાં એક વાર પરચો થયેલો. સ્વામીશ્રીની ચિત્રપ્રતિમામાંથી પાણી ઝરતું હતું. સ્વામીશ્રી ભરબપોરે પધરામણીઓ કરતા એ ઘરમાં આવ્યા. એક હરિભક્તે વાત કરી : 'સ્વામી ! આપની મૂર્તિમાંથી અહીં પાણી ઝરે છે.'
સ્વામીશ્રી પરસેવે રેબઝેબ હતા. ગાતરિયું પરસેવાથી ભીનું ભીનું થઈ ગયું હતું. એ હરિભક્તની વાત સાંભળીને સ્વામીશ્રીએ જમણા હાથની પહેલી આંગળી કપાળ પર પેરવી પરસેવો નિતારીને કહ્યું : 'એ પાણીથી કાંઈ ફાયદો નહિ. આ (પરસેવાનું) પાણી સાચું !

સાધુ વિવેકસાગરદાસ

No comments: